
સરકાર અને ખેડૂતોની વચ્ચે 11માં રાઉન્ડની બેઠકમાં પણ કોઈ જ પરિણામ સામે આવ્યું નથી. કેન્દ્રએ ખેડૂતોની સામે બે પ્રપોઝલ મુક્યા છે. કેન્દ્રએ ખેડૂતોને કહ્યું કે બે વર્ષ સુધી કૃષિ કાયદાને સ્થગિત કરવામાં આવશે અને MSP પર વાતચીત માટે નવી કમિટીનું ગઠન કરવામાં આવશે. જો કે આ પ્રસ્તાવ પર પણ ખેડૂત સંગઠનોએ સ્વીકાર કર્યો નથી. આ પ્રપોઝલ પર ખેડૂત અલગથી બેઠક કરી રહ્યાં છે.
આ પહેલાં 10 બેઠકમાંથી 9 બેઠકમાં કોઈ પરિણામ આવ્યું નહોતું. ખેડૂતો ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની માગણી કરી રહ્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે, ખેડૂતોએ હવે આ સિવાયની બીજી માગણીઓ વિશે વાત કરવી જોઈએ.
એક્સપર્ટ કમિટી કાલે ખેડૂતો સાથે કરશે પહેલી મીટિંગ
કૃષિ કાયદા મુદ્દે સમાધાન લાવવા સુપ્રીમ કોર્ટ તરફથી ત્રણ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. તેમણે મંગળવારે દિલ્હીમાં એક મીટિંગ કરી હતી. એમાં આગામી પ્રક્રિયા, ક્યારે-ક્યારે મીટિંગ કરશે, કેવાં સૂચનો આપવામાં આવશે અને રિપોર્ટ તૈયાર કરવા વિશે ચર્ચા કરી હતી. કમિટીના જણાવ્યા પ્રમાણે, તેઓ 21 જાન્યુઆરીએ ખેડૂત સંગઠન સાથે મીટિંગ કરશે. જે ખેડૂતો મળવા નહીં આવે તેમને મળવા પણ જશે. ઓનલાઈન સૂચનો લેવા માટે પણ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. 15 માર્ચ સુધી ખેડૂતો સૂચનો આપી શકશે.
અત્યારસુધીની 10 બેઠકમાં શું થયું
પહેલી વખત-14 ઓક્ટોબર
શું થયું- મીટિંગમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કૃષિસચિવ આવ્યા. ખેડૂત સંગઠનોએ મીટિંગનો બોયકોટ કર્યો. તેઓ કૃષિમંત્રી સાથે જ વાત કરવા માગતા હતા.
બીજી બેઠક-13 નવેમ્બર
શું થયું- કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેમંત્રી પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે મીટિંગ કરી. 7 કલાક વાતચીત ચાલી, પણ એનું કોઈ પરિણામ ન આવ્યું
ત્રીજી બેઠક-1લી ડિસેમ્બર
શું થયું- ત્રણ કલાક વાત થઈ. સરકારે એક્સપર્ટ કમિટી બનાવવાનું સૂચન આપ્યું, પણ ખેડૂત સંગઠન ત્રણ કાયદાને રદ કરવાની માગ પર અડગ છે.
ચોથી બેઠક-3 ડિસેમ્બર
શું થયું- સાડાસાત કલાકની વાતચીત થઈ. સરકારે વાયદો કર્યો કે એમએસપી સાથે કોઈ ચેડાં કરવામાં નહીં આવે. ખેડૂતોનું કહેવું હતું કે સરકારે એમએસપી પર ગેરંટી આપવાની સાથે સાથે ત્રણ કાયદા પણ રદ કરે.
5મી બેઠક- 5 ડિસેમ્બર
શું થયું- સરકાર એમએસપી પર લેખિત ગેરંટી આપવા માટે તૈયાર, પણ ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું, કાયદો રદ કરવા અંગે સરકાર હા કે નામાં જવાબ આપે.
6ઠ્ઠી બેઠક – 8 ડિસેમ્બર
શું થયું- ભારત બંધના દિવસે જ ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી. અગાઉના દિવસે સરકારે 22 પેજનો પ્રસ્તાવ આપ્યો, પણ ખેડૂત સંગઠને નકારી દીધો.
7મી બેઠક 30 ડિસેમ્બર
શું થયું-નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનોના 40 પ્રતિનિધિ સાથે બેઠક કરી. બે મુદ્દા પર મતભેદ યથાવત્, પણ બે માટે રાજી થઈ ગયા.
8મી બેઠક 4 જાન્યુઆરી
શું થયું- 4 કલાક ચાલેલી બેઠકમાં ખેડૂત કાયદો પાછો લેવાની માગ પર અડગ. મીટિંગ સમાપ્ત થયા પછી કૃષિમંત્રીએ કહ્યું, તાળી બન્ને હાથેથી વાગે છે.
9મી બેઠક: 8 જાન્યુઆરી
શું થયું: વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું. ખેડૂતોએ બેઠકમાં કડક વલણ અપનાવ્યું. બેઠકમાં ખેડૂતોએ પોસ્ટર પણ લગાવ્યાં, જેના પર ગુરુમુખીમાં લખ્યું હતું, મરીશું અથવા જીતીશું. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ માન્યું કે 50 ટકા મુદ્દાના ઉકેલ નથી આવ્યા.
10મી બેઠક: 15 જાન્યુઆરી
શું થયું: મીટિંગ અંદાજે 4 કલાક ચાલી હતી. ખેડૂતો કાયદો પરત લેવા પર અડગ રહ્યા. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને અપીલ કરતાં કહ્યું હતું કે અમે તમારી અમુક માગણીઓ સ્વીકારી લીધી છે. કાયદો પરત લેવાની એક જ માગ પર અડગ રહેવાની જગ્યાએ તમારે અમારી પણ અમુક વાતો માનવી જોઈએ.
More Stories
આજે ખેડૂતો નક્કી કરશે નવી રણનીતિ, બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવા પર મૂકાશે ભાર
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતાં મોટી તબાહી, અનેક લોકો તણાયાની આશંકા
ખેડૂતોની મહારેલીને મહારાષ્ટ્રનો પણ સપોર્ટ: ખેડૂતો નાસિકથી મુંબઈ સુધી 180 કિમી લાંબી રેલી નું આયોજન…