April 13, 2021

ખેડૂતોની મહારેલીને મહારાષ્ટ્રનો પણ સપોર્ટ: ખેડૂતો નાસિકથી મુંબઈ સુધી 180 કિમી લાંબી રેલી નું આયોજન…

Spread the love
  • સોમવારે મુંબઈના પ્રખ્યાત આઝાદ મેદાનમાં પ્રચંડ રેલી કરવાનું ખેડૂતોનું આયોજન
  • રવિવારે હજારો ખેડૂતો હાથમાં ઝંડા અને બેનર લઈને મુંબઈ તરફ આગેકૂચ  કરતા દેખાયા 
  • એનસીપી સુપ્રીમો શરદ પવાર, શિવસેના નેતા આદિત્ય ઠાકરે, તથા બાલાસાહેબ થોરાટ રેલીમાં હાજર રહેશે 

કેન્દ્ર સરકારના 3 કાયદાને રદ કરવાની માગણીએ આંદોલન ચલાવી રહેલા પંજાબના ખેડૂતોને મહારાષ્ટ્રના ખેડૂતોનો સાથ મળ્યો છે. કૃષિ કાયદા રદ કરવાની માગણીએ શનિવારે મહારાષ્ટ્રના 21 જિલ્લાના લગભગ 25000 હજાર ખેડૂતો નાસિકમાં એકઠા થયા હતા અને રવિવારે નાસિકથી 180 કિમીનું અંતર કાપીને મુંબઈમાં ધામા નાખ્યા હતા. મુંબઈના પ્રખ્યાત આઝાદ મેદાનમાં પ્રચંડ રેલી કરવાનું ખેડૂતોનું આયોજન છે.

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં હવે મહારાષ્ટ્રના ખેડૂતો પણ સામેલ થઈ ગયા છે. રાજ્યના 21 જિલ્લાના ખેડૂતો નાસિકથી મુંબઈ એટલે કે 180 કિમી સુધી રેલી કાઢી રહ્યાં છે. મુંબઈ પહોંચ્યા પછી એક સભા કરશે અને તેમાં NCP અધ્યક્ષ શરદ પવાર પણ સામેલ થઈ શકે છે. પવારની પાર્ટી રાજ્યમાં સરકાર ચલાવી રહેલા ગઠબંધનનો ભાગ છે.

શનિવારે નાસિકમાં ભેગા થયા હતા ખેડૂતો
દિલ્હી બોર્ડર પર 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પહેલા નાસિકમાં શનિવારે હજારો ખેડૂતો ભેગા થયા. ત્યારપછી તેમણે રેલીની શરૂઆત કરી. ન્યૂઝ એજન્સી પર શેર કરેલા વીડિયોમાં ખેડૂતોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ખેડૂતોના હાથમાં ઝંડા અને બેનર પણ જોવા મળી રહ્યાં છે. ઓલ ઈન્ડિયા ખેડૂત સભાના બેનર હેઠળ કાઢવામાં આવી રહેલી આ માર્ચ અમુક કલાકોમાં મુંબઈ પહોંચી જશે.

પવારે કેન્દ્રને ચેતવણી આપી હતી
હાડ થીજવતી ઠંડીમાં દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વિશે વાત કરતા પવારે કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો તે ખેડૂતોની સમસ્યાનો નિવેડો લાવવામાં સફળ નહીં થાય, તો ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. તેમણે કહ્યું હતું કે, સરકારને ખેડૂતોના ધૈર્યના પરીક્ષા ન લેવી જોઈએ.

26 નવેમ્બરથી દિલ્હી બોર્ડર ખેડૂતો ભેગા થયા છે
નવા કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ અને હરિયાણાના ખેડૂત દિલ્હી બોર્ડર પર 26 નવેમ્બરથી પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોની માંગ છે કે સરકાર આ કાયદાને પાછા લઈ લે. પણ સરકાર આના માટે તૈયાર નથી.

સરકાર અને ખેડૂતો વચ્ચે આ મુદ્દા અંગે 12 વખત મીટિંગ પણ થઈ ચૂકી છે. તેમ છતા કોઈ નિવેડો નીકળી શક્યો નથી. જો કે, સરકારે કાયદાને દોઢ વર્ષ માટે રદ્દ કરવાનો પ્રસ્તાવ ખેડૂતોને આપ્યો હતો. પણ ખેડૂત સંગઠનોનું કહેવું છે કે કાયદો પુરી રીતે પાછો લેવામાં આવે.