April 13, 2021

અહીં ભાજપના મોટા નેતાઓની ખુરશી પર ખતરો, રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાએ આપ્યા સંકેત

Spread the love
  • ભાજપ અધ્યક્ષ નડ્ડાએ યુપીના મંત્રીઓ અને સંગઠનના નેતાઓના ક્લાસ લીધા
  • નડ્ડાએ મંત્રીઓને કામકાજ સુધારવાની  આડકતરી સલાહ આપી 
  • કોંગ્રેસ તેના 50 વર્ષના કામકાજ ગણાવી રહી છે ત્યારે ભાજપ પણ શું કામ પાછળ રહે ? : નડ્ડા

કેબિનેટ મંત્રીઓ સાથેની બેઠકમાં નડ્ડાએ મંત્રીઓને હું ભાવથી નહીં પરંતુ આપણે ભાવથી કામ કરવાની પણ સલાહ આપી હતી. નડ્ડાએ જે રીતે મંત્રીમંડળ વિસ્તરણનો સંકેત આપ્યો તે જોતા લાગે છે કે યુપીમાં મોટા નેતાઓની ખુરશી પર ખતરો મંડરાઈ રહ્યો છે. નડ્ડાએ સરકાર અને સંગઠન વચ્ચેના સમન્વયના મોકળા મને વખાણ કરીને મંત્રીઓને કામકાજ સુધારવાની પણ આડકતરી સલાહ આપી દીધી હતી. 

કેબિનેટમાંથી પડતા મૂકાય તો ખોટું ન લગાડતા, નડ્ડાનું મંત્રીઓને આશ્વાસન 

કેબિનેટ વિસ્તરણ પહેલા પોતાનું ઉદાહરણ આપતા નડ્ડાએ યોગી સરકારના મંત્રીઓને એવું જણાવ્યું કે તમને કદાચ મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે તો તેનું ખોટું ન લગાડતા. હું પણ સરકારની બહાર રહીને કામકાજ કરી રહ્યો છે.

તેમણે કહ્યું કે મને જ્યારે મોદી કેબિનેટમાંથી પડતો મૂકાયો ત્યારે લોકો મારી પીઠ પાઠળ જાતજાતની વાતો કરવા લાગ્યા હતા. પરંતુ આજે તમે જોઈ શકો છો કે હું આટલા મોટા હોદ્દા પર બિરાજમાન છું. તેથી કોઈનું કંઈ ખોટું ન લગાડતા. પાર્ટી જે નિર્ણય કરતી હોય છે તે સાચો જ હોય છે, પાર્ટીના નિર્ણય પર સવાલ ઉઠાવાની પણ કોઈ જરૃર નથી. 

પીએમ મોદીનો પડછાયો રહેલા અરવિંદ શર્માને મંત્રીનો શિરપાવ મળવાની શક્યતા

યોગી સરકારના કેબિનેટ વિસ્તરણની અટકળોની વચ્ચે બધાની નજર એમએલસી અરવિંદ શર્મા પર મંડાઈ છે. એમએલસી બન્યા બાદ શર્માની ભાવી ભૂમિકા અંગે ચર્ચા ચાલી રહી છે. અરવિંદ શર્મા 16 વર્ષ સુધી પીએમ મોદીનો પડછાયો બનીને રહ્યાં છે અને હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે અને યોગી સરકારમાં તેમને મંત્રી બનાવાય તેવી પણ શક્યતા છે.

સાથે કેટલાક મોટા નેતાઓને કેબિનેટમાંથી બહારનો દરવાજો દેખાડવામાં આવી શકે છે. જોકે કયા નેતાઓને સરકારમાંથી પડતા મૂકવામાં આવશે અથવા તો કેટલા નેતાઓને સંગઠનમં લગાડવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર ફોડ પડાયો નથી. ઉલ્લેખનીય છે કે ભાજપ અધ્યક્ષ નડ્ડાએ ગુરુવારે લગભગ દોઢ કલાક સુધી મંત્રીઓ અને નેતાઓના ક્લાસ લીધા હતા અને તેમને કેટલીક ગાંઠે બાંધવા જેવી શીખામણ પણ આપીને પાર્ટી તેમના કામથી નારાજ હોવાનો પણ આડકતરો સંકેત આપી દીધો હતો.