પ્રખ્યાત ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની વયે નિધન, દૂનિયાભરમાં હતા મશહૂર

Spread the love

 ‘ચલો બુલાવા આયા હૈ માતાને બુલાયા હૈ’ કે પછી ‘ઓ જંગલ કે રાજા મેરી મૈકા કો લેકે આજા’ જેવા ભજનોથી લોકોના દિલમાં રાજ કરનારા ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. નરેન્દ્ર ચંચલ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. ગત ત્રણ દિવસથી તેમની સારવાર દિલ્હીની એપોલો હૉસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓએ આજે બપોરે 12.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓએ અનેક પ્રસિદ્ધ ભજનોની સાથે હિન્દી ફિલ્મોમાં પણ ભજનો ગાયા હતા. નરેન્દ્ર ચંચલના નિધનના સમાચાર સામે આવ્યા બાદ બૉલિવૂડ અને તેમના પ્રશંસકો શોકમાં છે. નરેન્દ્ર ચંચલ એ નામ, જેણે માતાના જગરાતાને અલગ દિશા આપી. તેઓએ શાસ્ત્રીય સંગીતમાં તો પોતાનું નામ કર્યું હતું ઉપરાંત લોક સંગીતમાં પણ લોકોનું દિલ જીતી લીધું હતું.

નાનપણથી જ પોતાની માતા કૈલાશવતીને માતારાનીના ભજનો ગાતા જોયા હતા. માતાના ભજનોને સાંભળી-સાંભળીને તેમને પણ સંગીતમાં રૂચી થવા લાગી. નરેન્દ્ર ચંચલની પહેલી ગુરૂ તેમની માતા જ હતી. ત્યારબાદ નરેન્દ્ર ચંચલે પ્રેમ ત્રિખાથી સંગીતની તાલીમ લીધી. બાદમાં તેઓ ભજન ગાવા લાગ્યા હતા. બૉલિવૂડમાં તેમની સફર રાજ કપૂર સાથે થઈ હતી. ફિલ્મ ‘બોબી’માં તેઓએ બેશક મંદિર મસ્જિદ તોડો ગાયું હતું. ત્યારબાદ તેઓએ અનેક ફિલ્મોમાં ગીતો ગાયા, પરંતુ તેમને ઓળખ થઈ ફિલ્મ ‘અવતાર’માં ગાયેલા માતાના ભજન ‘ચલો બુલાવા આયા હૈ’થી, જેના કારણે તેઓ રાતોરાત પ્રચલિત બની ગયા.

થોડા સમય પહેલા જ નરેન્દ્ર ચંચલે કોરોનાને લઈ એક ગીત ગાયું હતું, જે ખૂબ વાયરલ થયું હતું. માતા વૈષ્ણો દેવીમાં તેમની ખાસ આસ્થા હતી. વર્ષ 1944થી સતત માતા વૈષ્ણો દેવીના દરબારમાં આયોજિત થનારા વાર્ષિક જાગરણમાં હાજર રહેતા હતા, પરંતુ આ વખતે કોરોનાના કારણે તે શક્ય બન્યું નહોતું.