જુનાગઢના કેશોદમાં એક જ શાળામાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ફફડાટ

Spread the love

કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે ધોરણ-10 અને 12ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આજરોજ જૂનાગઢના કેશોદમાં 11 વિદ્યાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત થતી જાણાકારી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ.વણપરિયા શાળામાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થયું. 

તમામ વિદ્યાર્થિનીઓ કરાઇ ક્વોરન્ટાઇન

આ બનાવને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થિનીઓને હાલ ક્વોન્ટાઇન કરી છે. આ સાથે જ તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરન્ટાઇન થવાનું પણ કહેવામાં આવ્યું છે અને જરૂર પડ્યેથી કોરોના ટેસ્ટ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.

11 જાન્યુઆરીથી ગુજરાતમાં શરૂ થઇ છે શાળાઓ

આપને જણાવી દઈએ કે, 11 જાન્યુઆરીથી ગુજરાતભરમાં ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને તાજેતરમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજરોજ 11 વિદ્યાર્થિનીઓ એકસાથે પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. 

રવિવારે રાજ્યમાં નોંધાયા છે કોરોના 518 નવા કેસ 

પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 518 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 255872 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.79 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં આજે 94 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે.

રાજ્યમાં 7 હજારથી ઓછા એક્ટિવ કેસ

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 704 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,45,107 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 4365 એક્ટિવ કેસ છે. જેમાંથી 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે.